Friday, March 15, 2019

Best Gujrati Gazals


લાખ ઇચ્છાઓને અવઢવ થાય છે,
એક સપનું ત્યારે સંભવ થાય છે.

ક્યાંક કોઈ વૃક્ષ હોવું જોઈએ,
શ્હેરમાં લ્યો, આજ કલરવ થાય છે.

દ્વાર દિલનાં ખોલવાં પડશે હવે,
પાંપણે કોઈના પગરવ થાય છે.

પથ્થરોના દિલને પ્હોંચે ઠેસ, તો
ડુંગરોના દેશમાં દવ થાય છે.

કેમ ચાહું કોઈ બીજાને, ગઝલ ?!
એક ભવમાં દોસ્ત, બે ભવ થાય છે.

– હરદ્વાર ગોસ્વામી

************************************************ 

બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,

વ્યસ્તતા એ માઝા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,

આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી, એ યાદ નથી,

આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,

જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,

જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,

ઉભો નથી કતારમાં તારા મંદિરે ઈશ્વર, 
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી.

***********************************************

સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો
તમને દુવા તો મળશે અસર ક્યાંથી લાવશો

બંગલો તો ઓછેવત્તે ગમે ત્યાં મળી જશે
ઘર, ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો

શત્રુ તો ઉઘાડો છે છડેચોક દોસ્તો
મિત્રોને પારખે એ નજર ક્યાંથી લાવશો

શંકરની જેમ નાગને મફલર કરી શકો
પણ ઝેર પી જવાનું જિગર ક્યાંથી લાવશો

મંજિલ ‘ખલીલ’ આવશે રસ્તામા ક્યાંક પણ
સથવારો હોય એવી સફર ક્યાંથી લાવશો

ખલીલ ધનતેજવી

**********************************************

ખોટ  આજે  હોય  છે  સૌની  નિયતમાં! 
સત્ય દેખાવાનું ક્યાંથી અસલિયતમાં? 

નામ તારું  ના લખું  છો  ને ગઝલમાં,
પણ, હશે કાયમ એ મારી કેફિયતમાં! 

દાદ  મારા  શેરને  જો  ના  મળે  તો, 
કૈં ઉણપ મારી હશે  આ  શેરિયતમાં! 

ના કશું પણ ખાસ છે મારામાં દોસ્તો, 
શું  ગણાવું  તમને  મારી  ખાસિયતમાં? 

ના કદી પણ બહાર એની હું ગયો છું, 
હું  રહું  છું  મારી  કાયમ હેસિયતમાં! 

એ હદે ઉતરી ગયો છે આજે માણસ! 
લાગ્યું છે જાણે ગ્રહણ ઈન્સાનિયતમાં! 

- હેમંત મદ્રાસી

*****************************************

શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે,
કુવો ખોદો તો આખી સરિતા નીકળે.

જો જનક જેવા આવીને હળ હાંકે,
તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે,

હજી ધબકે છે કયાંક લક્ષ્મણ રેખા,
કે રાવણ જેવા ત્યાંથી બીતા-બીતા નીકળે.

છે કાલિદાસ ને, ભોજના ખંડેરો
જરીક ખોંતરો ત્યાં કવિતા નીકળે,

સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની
કે મહાભારત વાવો તો ગીતા નીકળે.

 કવિ દાદ

******************************************


Source :- Internet

No comments:

Post a Comment